યહોવા ગુસ્સે થવામાં ધીમા છે. તેમની પાસે મહાન શકિત છે. અને તે ચોક્કસપણે ગુનેગારોને દંડ્યા વગર જવા દેતા નથી. પ્રચંડ ઝંજાવાત અને વાવાઝોડામાં થઇને યહોવાનો માર્ગ જાય છે. વાદળો તેના પગની રજ છે.
તે સાગરને ધમકાવે છે અને મહાસાગરો સૂકવી દે છે. તે નદીઓ સૂકાવીને રેતીમાં ફેરવી દે છે; બાશાન અને કામેર્લના લીલાંછમ પ્રાંતો સૂકાઇ જાય છે; લબાનોનનાં ફૂલો કરમાઇ જાય છે.
યહોવા પોતાના લોકોને કહે છે, “તમારા શત્રુઓ ગમે તેવા બળવાન અને અસંખ્ય હશે તેમ છતાં તેનો નાશ થશે. તેમનું નામોનિશાન નહિ રહે. મેં તમને શિક્ષા કરી છે છતાઁ હું હવે તમને સજા નહિ કરું!
યહોવાએ તમારા માટે આ હુકમ આપ્યો છે, “તારા કુળની હારમાળા ખલાસ થઇ જશે. તારા મંદિરોની મૂર્તિઓ અને પ્રતિમાઓનો હું નાશ કરીશ. હું તને દફનાવી દઇશ! કારણકે તું તિરસ્કૃત થયો છે!”
જુઓ, પર્વત પર સંદેશાંવાહકોના પગલાં છે; તે શાંતિના સારા સમાચાર લાવી રહ્યાં છે. હે યહૂદિયાના લોકો, તમારા ઉત્સવો ઊજવો, તમારા વચનો પૂરા કરો, કારણ હવે કદી દુષ્ટ લોકો તમારા પર આક્રમણ કરશે નહિ, તેમનો સમૂળગો નાશ કરવામાં આવ્યો છે.